રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં છ માસની ઉંમરે માતા ગુમાવીને બાદ દાદી અને પરદાદી પાસે ઉછરી રહેલી 17 વર્ષની સગીરા ઉપર તેના જ પિતાએ નજર બગાડી દુષ્કર્મ આચર્યાના કેસમાં ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ અલી હત્પસેન મોહીબુલ્લા શેખે હવસખોર પિતાને 20 વર્ષ કેદની સજા ફરમાવી છે.
ધોરાજી પંથકમાં રહેતા એક શખસ સામે તેની સગીર વયની દીકરીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાવવા માટે આરોપીની દાદી એટલે કે, ભોગ બનનારની પરદાદી સાથે પોલીસ સ્ટેશન ગયેલા હતા. ભોગ બનનારની આપવીતી એવી હતી કે તેની સગી માતા તે માત્ર છ માસની હતી, ત્યારે મૃત્યુ પામી હતી અને આ ભોગ બનનાર પોતાના દાદી અને પરદાદી સાથે રહેતા હતા. આરોપી બીજા લગ્ન કરીને નવા પત્ની સાથે તે જ ગામમાં અલગ રહેતો હતો. દરમિયાન ભોગ બનનાર પુત્રીને નરાધમ પિતાએ પોતાની ઘરે બોલાવી રાત્રિના સમયે પોતાની સાથે સુવડાવી બે વખત દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે સગીરાએ પરદાદીને વાત કરતા પરદાદીએ પુત્રીને દુષ્કર્મનો ભોગ નહિ બનાવવા કહી ઠપકો આપતા આરોપીએ મારી દીકરી છે, મારે તેની સાથે જે કરવું હોય તે કરું આવું કહી વારંવાર સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું.
પરિવારના સભ્યો દ્વારા અટકાવવામાં આવે તો તે ગમે તેને મારકૂટ કરી લેતો હતો અને ભય પેદા કરતો હતો. અંતે હવસ ભૂખ્યા પિતાથી કંટાળી ગયેલી સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ભોગ બનનાર સગીરાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી પીએસઆઇ કે.એમ. ચાવડાએ આરોપી વિરુધ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જે કેસમાં અદાલત દ્વારા ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આરોપીને જામીન મુકત કરવામાં નહિ આવતા આખી ટ્રાયલ દરમિયાન આરોપી જેલમાં જ રહ્યો હતો.