રાજકોટના તત્કાલીન પ્રાંત અધિકારીએ ખાનગી ઠેરવેલ જમીન સરકાર હસ્તક લેવા હુકમ કરાયો

પારકી જમીન પચાવી પાડવાની માનસિકતા સાથે રાજકોટ શહેર-જિલ્લામાં જમીન કૌભાંડી તત્ત્વો દ્વારા અનેક કૌભાંડો આચરવામાં આવ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આવા જ એક જમીન કૌભાંડમાં તત્કાલીન પ્રાંત અધિકારી સામે શંકાની સોય તાણતો ચુકાદો આપ્યો છે.

46 વર્ષથી સરકારી નામે ચાલતી કરોડોની કિંમતી વેજાગામની એક એકરથી વધુ જમીન વર્ષ 2016માં રાજકોટ સિટી પ્રાંત-2 દ્વારા એક જ ઝાટકે ખાનગી ઠેરવી નાખ્યા બાદ ચટ મંગની પટ વિવાહ ઉક્તિ મુજબ ઉપરાછાપરી બબ્બે વેચાણ દસ્તાવેજ પણ કરી નાખવામાં આવ્યા હતા.

જોકે બિનખેતી પોટેનશિયલ વાળી આ જમીન ખાનગી ઠેરવી દેવાના હુકમને જિલ્લા કલેક્ટરે રિવિઝનમાં લઈ તત્કાલીન પ્રાંત અધિકારીનો હુકમ રદ કરી દેતા જમીન કૌભાંડિયા તત્ત્વોની મેલી મુરાદ બર નથી આવી ઊલટું સરકારી જમીન ખાનગી ઠેરવવા કરેલો ખર્ચ પણ પાણીમાં ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલ વેજાગામ રેવન્યુ સરવે નંબર-57 પૈકી 4ની 1એકર 5 ગુંઠા જમીન વર્ષ 1968માં પ્રમોલગેશનથી સરકારના નામે ચાલતી હોય વર્ષ 1969માં નોંધ નંબર 205 રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.

બાદમાં અચાનક જ વર્ષ 2016માં તત્કાલીન રાજકોટ સિટી પ્રાંત-2 અધિકારી દ્વારા પરચૂરણ અપીલ કેસ ચલાવી અરજદાર સોમાભાઈ મેરૂભાઇ માલકિયાની નોંધ પાડવા હુકમ કરી દીધો હતો.

હકીકતમાં આવા કેસમાં પ્રથમ વિલંબ માફીની અરજી બાદ નિર્ણય લેવાતો હોય છે અને સરકાર અને ખાનગી માલિક વચ્ચેના જમીન વિવાદને જમીન મહેસૂલ કાયદાની કલમ 37/2 અન્વયે ચલાવવાને બદલે સીધી જ પરચૂરણ અપીલમાં સરકાર હેડે ચાલતી કરોડોની કિંમતી જમીન ખાનગી નામે ચડાવી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *