કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સામે FIR દાખલ કરી નોકરી માંથી ડીસમિસ કરવા માંગ કરી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા સુરેશ વડેચા નામના દર્દીની મુલાકાત કરી હતી એ સમયે યુવાને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમને ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ડીસીપી દ્વારા ગુદાના ભાગે પેટ્રોલ છાંટી પટ્ટા વડે માર મારી પગ ભાંગી નાખવામાં આવ્યો છે જો કે આ આક્ષેપો પછી તબીબી રિપોર્ટમાં દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી હોવાનું તેમજ ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયા હોવાનું સામે છે જેથી IPS જગદીશ બાંગરવા સામે થયેલા આક્ષેપ ખોટા હોવાનું સાબિત થયું છે.
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા IPS જગદીશ બાંગરવા સામે થયેલ આક્ષેપ બાદ તબીબી રિપોર્ટમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે. રાજકોટમાં સુરેશ વડેચા નામનો યુવાન હોસ્પીટલમાં દાખલ છે જેને મળવા 27 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતા આ સમયે આક્ષેપ કરતા સુરેશ વડેચાએ જણાવ્યું હતું કે, ડી.સી.પી. જગદીશ બાંગરવાએ તેમને માર માર્યો છે અને કપડા કાઢી ટીંગાડી તેમના ગુદાના ભાગે પેટ્રોલ નાખેલ છે.