રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ગત જાન્યુઆરી માસના અંતમાં બદલી પામેલા અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આવેલા ડીડીઓ ડો.નવનાથ ગવ્હાણેની એકાએક સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરી નાખવામાં આવી છે. મુખ્યમંત્રી ડેશબોર્ડમાં રાજકોટ જિલ્લાને ટોપ પર પહોંચાડનાર ડો.ગવ્હાણેની માત્ર 11 માસમાં બદલી કરાતા રાજ્ય સરકારના નિર્ણય પર પણ અનેક સવાલો ઉઠ્યા છે.
જોકે અગાઉ ગાંધીનગર ખાતે જીએસએમએસસીના એમડી તરીકે ફરજ બજાવતા ડો.નવનાથ ગવ્હાણેની ગત 31મી જાન્યુઆરીના રોજ 50 જેટલા આઇએએસ અધિકારીઓ સાથે બદલી કરવામાં આવી હતી અને તેમને દેવ ચૌધરીના સ્થાને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાયા હતા. ત્યારબાદ તેઓએ ટૂંકા ગાળામાં વર્તમાન બોડી સાથે તાલમેલ રાખીને બાંધકામ, આરોગ્ય, સિંચાઇ, શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિકાસને લગતા નોંધપાત્ર કામ કરીને તેમજ આંતરિક વહીવટી કામગીરી સુધારીને સીએમ ડેશબોર્ડમાં પણ રાજકોટને સ્થાન અપાવ્યું હતું.