સ્માર્ટ સિટી તરીકે ઉભરી રહેલા રાજકોટમાં હજુ પણ કેટલાક વિસ્તારો પાયાની સુવિધાઓથી પણ વંચિત છે. જેમાં જામનગર રોડ પર આવેલી અમી હાઇટ્સ તેમજ તેની આસપાસની 10 જેટલી સોસાયટીઓમાં જવા માટે રસ્તો ગામડા જેવો છે. તેમજ સ્ટ્રીટ લાઈટ જેવી સગવડ પણ નહીં હોવાને કારણે સિટિબસ અને એમ્બ્યુલન્સ પણ સમયસર આવતી નથી.
લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓનાં અભાવ વચ્ચે જીવતા સ્થાનિકોએ આજે રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને સફાઈની સમસ્યાઓને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા તેઓએ આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલી અમી હાઇટ્સ અને તેની આસપાસની 10 સોસાયટીઓના રસ્તાઓની હાલત ગામડાના કાચા રસ્તા જેવી થઈ ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે, ચોમાસામાં તો આ રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. ખાડાઓ અને કાદવ-કીચડને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે.