રાજકોટનાં જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલનાં નવીનીકરણ માટે મનપા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે આજથી સાંઢિયાપુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અગાઉ પ્રાયોગિક ધોરણે પાંચ કલાક માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. જોકે હાલ પોલીસ કમિશનર દ્વારા વિવિધ વાહનો માટેના વૈકલ્પિક ત્રણ રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા હોવાથી હાલ પુલ બંધ કરવા છતાં ટ્રાફિકજામની ખાસ સમસ્યા જોવા મળતી નથી. ત્યારે આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે કે નહીં તે જોવું રહ્યું.
પ્રાપ્ત વિગત મુજબ જર્જરિત બનેલા સાંઢિયા પુલનાં સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. રાજકોટમાં પ્રથમ વખત આ પુલ આખો તોડીને નવો બ્રિજ બનાવવામાં આવનાર છે. જેને કારણે મનપા દ્વારા ડાયવર્જન માટે ખાસ ડામર રોડ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે આ રસ્તો વચ્ચેથી સાંકડો છે. તેમજ અહીં રેલવે ફાટક પણ આવતું હોવાથી સાંઢિયા પુલનો ટ્રાફિક અહીંથી પસાર થઈ શકે તેવી શક્યતા ઓછી હોય. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જુદા-જુદા વાહનો માટે ત્રણ વૈકલ્પિક રસ્તા જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.