વાસદથી વડોદરા આવવાના મહીસાગર નદીના બ્રિજ પાસે અજાણ્યો યુવાન પડ્યો હોવાની વર્ધી મળતા વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ગુરુવારે સવારે શોધખોળ ધરવામાં આવી હતી. જોકે ફાયર બ્રિગેડને યુવકનો કોઈ પત્તો મળ્યો નહોતો.
રાજકોટના 27 વર્ષના બિઝનેસમેન યુવકે આપઘાત કર્યો હોવાની શંકાએ પરિવારજનો ફાજલપુર દોડી આવ્યા હતા અને તેમણે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું.
સમગ્ર ઘટના અંગે નંદેસરી પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ રાજકોટના લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસી ખાતે આવેલી ગોલ્ડન ગોરિયસ સોસાયટીમાં રહેતા ચેતનભાઇ પરમાર ઓનલાઈન વ્યવસાય સાથે સંકળાયેલા છે. બુધવારે તેઓ પોતાના ઘરે આવવા માટે ઓફિસથી નીકળી ગયા હોવાનો પત્નીને ફોન કર્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા નહોતા. પોતાના વ્યવસાય માટે મિત્ર પાસેથી ભાડે ગાડી લીધી હોવાથી તેમના જીપીએસ લોકેશનના આધારે પરિવારજનો રાજકોટ પોલીસને જાણ કર્યા બાદ વડોદરા સુધી તપાસ માટે આવ્યા હતા. જોકે ચેતનનો કોઈ પત્તો મળ્યો નહોતો પરંતુ ફાજલપુર બ્રિજ પાસે ગાડી મળી આવી હતી. ગાડીમાંથી પાંચ પાનાની અંતિમ ચિઠ્ઠી નંદેસરી પોલીસે કબજે લીધી હતી જેમાં તેમણે પાંચ વ્યક્તિઓને સંબોધી ધંધામાં દગો થયો હોવાનું અને પૈસાની લેવડદેવડના વિષય અંગે વાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. સમગ્ર ઘટના અંગે નંદેસરી પીઆઇ સ્વપ્નિલ પંડ્યા એ જણાવ્યું હતું કે ,રાજકોટ ખાતે ગુમ થયાની નોંધ કરાવેલી છે વડોદરા પોલીસને યુવકનો કોઈ પત્તો મળ્યો નથી.ચિઠ્ઠી અને કાર કબજે લીધા છે. કોઈ નક્કર પુરાવા મળ્યા બાદ આગળ તપાસ કરવામાં આવશે.