રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા ઓમનગર 40 ફૂટ રોડ પર પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. કોઈ કારણોસર અચાનક પાઈપલાઈન ફાટવાને કારણે પાણીનો ફુવારો હવામાં ઉછળી રહ્યો હતો અને જોતજોતામાં જ આખા રોડ ઉપર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પાણીની સપ્લાય અટકાવીને પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું તંત્રની આ ગંભીર બેદરકારીને કારણે હજારો ગેલન પાણી ગટરમાં વહી ગયું હતું. જેને લઈને સ્થાનિક રહીશોએ તંત્રની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. લોકોનો આક્ષેપ છે કે, આવી ઘટનાઓ વારંવાર બનવા છતાં તંત્ર દ્વારા લાઈનોના મેઈન્ટેનન્સમાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. જોકે, આ અંગેની જાણ થતાં વોટર વર્ક્સ વિભાગની ટીમ દોડી ગઈ હતી અને પાણીની સપ્લાય અટકાવીને પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં વિલંબ થવાને કારણે એક દર્દીનું મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે હોબાળો મચ્યો છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રાવલનગરમાં રહેતા 54 વર્ષીય રાકેશકુમાર કાંતિલાલ સિંધવાને આજે સવારે 6 વાગ્યા આસપાસ શ્વાસ ચડતા અને બેભાન થઈ જતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. કેન્સરની બીમારી ધરાવતા રાકેશભાઈને ઇમરજન્સી વિભાગ બાદ ટીબીસીડી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.