રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મનપા બે દિવસ સુધી હાથ ધરવામાં આવેલું મેગા ડિમોલિશન પૂર્ણ થઈ ગયું છે. આ કામગીરી અંતર્ગત અત્યારસુધીમાં કુલ 1509 મિલકત તોડી પાડવામાં આવી છે. હવે માત્ર કાટમાળ ખસેડવાની જ કામગીરી બાકી રહી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીના જણાવ્યા અનુસાર, દબાણો દૂર કરી ખુલ્લી કરાયેલી 87,000 ચોરસ મીટર સરકારી જગ્યા પર તાત્કાલિક અસરથી નવો રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી કરાશે. આજી નદીના પટમાં નડતરરૂપ દબાણો દૂર કરી દેવામાં આવ્યાં છે, જેને લઈ હવે ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી ધોરણે હલ થશે.
જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે ત્રણથી ચાર માળનાં પાકાં મકાનો હોવાથી અને લોડ બેરિંગથી બનાવેલાં હોવાથી જેસીબીથી મકાનો તૂટી શકતા નહોતા, એને તોડવા માટે હિટાચી મશીનની મદદ લેવામાં આવી હતી.