આંબેડકરનગર શેરી નં.3 નજીક ભાઈના ઘરેથી પોતાના ઘરે પરત ફરી રહેલા યુવકનો જૂના ઝઘડાનો ખાર રાખી રસ્તો રોકી પાંચ શખ્સ તૂટી પડ્યા તેમજ બાઈકમાં પથ્થર મારી નુકસાન કર્યાની યુવકે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં શહેરના 80 ફૂટ રોડ આજી વસાહત આંબેડકરનગર શેરી નં.11માં રહેતા સુજલ સંજયભાઈ બાબરિયા(ઉં.વ.21) દ્વારા થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુજલ પરમાર, મયૂર ખીમસુરિયા, જયેશ ઉર્ફે જયુ ચાવડા, મોહિત ઉર્ફે કાળુ પરમાર અને મીત ઉર્ફે મીતુ પરમારના નામો આપ્યા હતા.
સુજલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.27/11ના રોજ રાત્રિના સવા અગિયારેક વાગ્યે તે પોતાના નાનાભાઈ સોમાભાઈ વાઘેલા જેઓ ગંજીવાડા મેઈન રોડ દલિત ચોક પાસે રહે છે તેમની બાઈક લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યો હતો ત્યારે આંબેડકરનગર શેરી નં.03 ખાતે સુજલ, મયૂર અને જયેશના ઘર પાસેથી નીકળતા જેમની સાથે તેનો અગાઉ પણ ઝઘડો થયેલો હોય, આ ત્રણેય આંબેડકરનગર શેરી નં.03ના ખૂણે બાઈક લઈને ઊભા હતા ત્યારે તેની બાઈકની ચાવી કાઢી લઇ સુજલ પરમારે કહ્યું કે, તારું જ કામ હતું તને કેટલા દિવસથી ગોતીએ છીએ, તેમ કહી કાઠલો પકડી લાફો મારી નીચે પછાડી જયુ ઉર્ફે જયેશ તેની માથે બેસી જઈ તેનો ફરી કાઠલો પકડી માર માર્યો હતો. તે દરમિયાન મોહિત અને મીત પણ ત્યાં આવી ચડ્યા અને તેને આડેધડ માર મારી બધાએ મળીને યુવકની બાઈક પર પથ્થરના ઘા ઝીકી નુકશાન કર્યું હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.