રાજકોટનાં અટલ સરોવર ખાતે હજારોની સંખ્યામાં લોકો આવતા હોવાથી કોન્ટ્રાક્ટર કંપની ક્યુબ એજન્સી દ્વારા મંજૂરી વિના ખાણીપીણીની રેંકડીઓ ગોઠવવામાં આવી હતી. તેમજ વેપારીઓ પાસેથી 40 ટકા કમિશન લઈ ડબલ ભાવે વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ડે.કમિશનર દ્વારા ગઈકાલે જ નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે જ મનપાનાં દબાણ હટાવ વિભાગ દ્વારા મંજૂરી વિના મુકાયેલી આ રેંકડીઓ બંધ કરાવવામાં આવી હતી અને ભવિષ્યમાં આવું ન બને તે માટે સમયાંતરે ચેકિંગ કરવામાં આવનાર છે.
ઇન્સ્પેક્ટર રસિક મકવાણાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા અમને બહાર દબાણ ન થાય તે માટે ચેકિંગ કરવાનો ઓર્ડર છે. આ દરમિયાન ન્યુ રેસકોર્સની અંદર આ પ્રકારનું દબાણ થયું હોવાનું જાણવા મળતા અમારી ટીમ આવી પહોંચી હતી. જેમાં કંપનીએ તેના લેવલે આ ખાણીપીણીની રેંકડીઓ શરૂ કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ કારણે તાત્કાલિક અસરથી આ રેંકડીઓ બંધ કરાવી દેવામાં આવી છે. એક સપ્તાહથી રેંકડીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે તમામ વેપાર બંધ કરાવી દેવામાં આવ્યો છે. તેમજ આવતીકાલ સુધીમાં તમામ રેંકડી-કેબીનો હટાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે પછી જો આ પ્રકારની રેંકડી-કેબીનો જોવા મળશે તો ઉપાડી લેવામાં આવશે.
સમગ્ર મામલે મનપા દ્વારા સંચાલકોને બે દિવસની નોટિસ પણ ફટકારવામાં આવી છે. જેમાં કોર્પોરેશનની મંજૂરી વિના આ રેંકડી-કેબીનો શા માટે રાખવામાં આવી તેનો જવાબ આપવા જણાવાયું છે. જો બે દિવસમાં સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો પેનલ્ટી ફટકારવા સહિતની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરીને રેંકડીઓ શરૂ કરી દેવામાં આવી હોવા છતાં મીડિયા દ્વારા જાણ કર્યા પૂર્વે મનપાનાં અધિકારીઓનાં ધ્યાનમાં આ બાબત કેમ ન આવી તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.