રાજકોટમાં સતત વધતા રોગચાળાને અટકાવવા હવે આરોગ્ય વિભાગની સાથે ફૂડ વિભાગ પણ હરકતમાં આવ્યું છે ત્યારે આજે શહેરનાં 80 ફૂટ રોડ સહિતનાં વિસ્તારોમાં જુદી-જુદી ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 80 ફુટ રોડ પર ખાણીપીણીની બે દુકાનમાંથી 9 કિલો અખાદ્ય મંચુરિયન અને પાઉંનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય 28 વેપારીઓનું ચેકીંગ કરીને 13 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ફૂડ વિભાગ દ્વારા હુન્ડાઇ શોરૂમ પાસે, 80 ફૂટ રોડ પર આવેલ “જય માતાજી ચાઇનીઝ પંજાબી” પેઢીમાં તપાસ કરાતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મંચુરિયનનો અંદાજીત પાંચ કિલો જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરી પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા માટે અને હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટીસ અપાઇ હતી. ઉપરાંત નજીકમાં જ આવેલ ‘સાવરીયા પાઉંભાજી પુલાવ’ પેઢીમાંથી પણ વાસી અખાદ્ય પાઉંના પેકેટનો અંદાજીત ચાર કિલો જથ્થો મળી આવતા નાશ કરી નોટીસ અપાઇ હતી.