રાજકોટનાં 3 વોર્ડનાં 2,726 ઘરોમાં મચ્છરોનો ઉપદ્રવ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવા માટે ‘વન ડે, વન વોર્ડ’ કાર્યક્રમ હેઠળ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં વોર્ડ નં. 1, 2 અને 4માં 3 દિવસ સુધી ચાલેલી આ કામગીરી દરમિયાન ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમોએ કુલ 61,630 ઘરોની મુલાકાત લીધી હતી, જેમાં 2,726 ઘરોમાં મચ્છરના ઉપદ્રવ જોવા મળતા પોરાનો નાશ કરવામાં આવ્યો હતો. આ બેદરકારી બદલ કુલ 476 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ 274 લોકોના બ્લડ સેમ્પલ લેવાયા હતા.

રાજકોટમાં ડેંગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા સહિતનાં મચ્છરજન્ય રોગોને ફેલાતા અટકાવવા માટે મનપાની ટીમોએ ઘરે-ઘરે જઈને તપાસ કરી હતી. આ ટીમોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ફિલ્ડવર્કર, મલ્ટી પરપસ હેલ્થ વર્કર, અર્બન આશા અને ફોગિંગ ટીમોનો સમાવેશ થાય છે. આ ઝુંબેશ દરમિયાન 274 લોકોના લોહીના નમૂના પણ પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. મનપા દ્વારા બાકી રહેલા તમામ વોર્ડમાં પણ આ ઝુંબેશ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કેટલાક સમયથી રોગચાળો વકરી રહ્યો છે. જેને અટકાવવા માટે મનપા દ્વારા રાજકોટનાં તમામ 18 વોર્ડમાં મચ્છરની ઉત્પત્તિ રોકવા માટે ખાસ ‘વન ડે, વન વોર્ડ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં માત્ર ત્રણ વોર્ડમાં થયેલી કામગીરીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં બાકીના 15 વોર્ડમાં પણ આ કાર્યક્રમ અંતર્ગત મનપાની ટીમો દ્વારા સઘન ચેકીંગ કરી મચ્છરની ઉત્પત્તિ રોકવા અને રોગચાળા પર કાબુ લેવા પ્રયાસ કરવામાં આવનાર છે. જેમાં પણ અનેક સ્થળે મચ્છરોનો ઉપદ્રવ સામે આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *