રાજકોટનાં 18 વેપારીઓને ત્યાંથી મીઠાઈ-ફરસાણના 32 નમૂના લેવાયા

દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ તથા ફરસાણના વિક્રેતાઓના એકમોમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી રહે તે માટે એકમોની હાઈજેનિક કન્ડિશન, વપરાશમાં લેવાતા રો-મટિરિયલની તપાસ કરવામાં આવી હતી. તેમજ કુલ 18 વેપારીઓને ત્યાંથી મીઠાઈ-ફરસાણના 32 નમૂના લેવાયા હતા. જોકે આ નમુના લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ દેવ દિવાળી પછી આવશે અને ત્યારબાદ ભેળસેળ સાબિત થયે વેપારી પર કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં સુધીમાં હજારો લોકો મીઠાઈ આરોગી ચુક્યા હશે.

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ મીઠાઈ તથા ફરસાણના કુલ 32 નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને વધુ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવતા બે મહિના જેટલો સમય લાગી શકે છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ્યાં ભેળસેળ સાબિત થશે ત્યાં ફૂડ વિભાગ દ્વારા વેપારી સામે પગલાં લેવામાં આવશે. જોકે આ પહેલા તો દશેરાની મીઠાઈ હજારો લોકો આરોગી ચુક્યા હશે. ત્યારે આ રિપોર્ટ ઝડપી આવે તેના માટે મનપા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે રાજકોટનાં સોરઠિયાવાડીથી પવનપુત્ર ચોક વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી પણ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, કુલ 13 ધંધાર્થીઓને ફૂડ સેફ્ટી લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. અને ખાદ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. લાયસન્સ બાબતે સૂચના અપાયેલ ધંધાર્થીઓમાં જય બહુચરાજી હોટલ પૂરી શાક, રીચ મદ્રાસ કાફે, કૈલાશ કચ્છી દાબેલી, જલારામ રેસ્ટોરેન્ટ, સદગુરુ રેસ્ટોરેન્ટ, મારાજ પૂરી શાક, નેજાધારી ડાઈનિંગ હોલ, જય જલારામ ગાંઠિયા, શ્રી નાથજી ભજીયા & પૂરી શાક, રુદ્ર અમેરિકન મકાઈ, જય અંબે દાળપકવાન, જય રામનાથ પૂરી શાક, અને રાજ દાળપકવાનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *