રાજકોટનાં હોમી દસ્તુર માર્ગનું નાલું તૈયાર છતાં લોકાર્પણ નહીં

રાજકોટના હોમી દસ્તુર માર્ગ પર રેલવેના ટ્રેક નીચે રૂ. 4 કરોડના ખર્ચે નવું અંડરપાસ ગરનાળું તૈયાર થઈ ગયું છે, છતાં પણ 6 મહિનાથી તે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા 15,000થી વધુ વાહનચાલકોને ભારે ટ્રાફિક અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ નાલામાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી તેને હજુ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું નથી, જેનો વિરોધ પક્ષ કોંગ્રેસે તીવ્ર વિરોધ કર્યો છે અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. બીજી તરફ, મેયરે ભૂલ માટે જવાબદાર એજન્સીને નોટિસ અને પેનલ્ટી ફટકારવાની તૈયારી દર્શાવી છે.

કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે મનપા અને તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મનપાએ લોકોના ટેક્સના પૈસે રૂ. 4 કરોડના ખર્ચે નાલું બનાવ્યું છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાં પાણીના નિકાલની વ્યવસ્થા જ કરવામાં આવી નથી. આ એક પ્રકારની બુદ્ધિનું દેવાળું ફૂકવા જેવી બાબત છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે આ નાલું બનાવવામાં આવ્યું, પરંતુ હવે એ જ નાલામાં પાણીનો ભરાવો થશે તો તેનો શો અર્થ? આ ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો સ્પષ્ટ પુરાવો છે.

રાજપુતે વધુમાં કહ્યું કે, છેલ્લા 6 મહિનાથી નાલાનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેને ખુલ્લું મૂકવામાં આવતું નથી. નજીકમાં તહેવારો આવતા હોય વાહનચાલકોની હાલાકી વધુ વધશે. અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ નાલું લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે. જો આગામી 2 દિવસમાં આ નાલું ખુલ્લું નહીં મુકાય, તો કોંગ્રેસ પક્ષ મનપા કમિશનર અને મેયરનો ઘેરાવો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *