રાજકોટ શહેરમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ સાથે ફૂડ વિભાગ દ્વારા પણ અખાદ્ય પદાર્થોને લઈ સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શ્રીનાથજી ફાસ્ટ ફૂડમાંથી વાસી બટેટા અને ચોકલેટ સોસનાં જથ્થાનો નાશ કરાયો હતો. જ્યારે ચીઝ, બટર તથા લીલી ચટણી સહિતના નમૂના લેવાયા હતા. તો ભોલા ફાસ્ટફૂડમાંથી અખાદ્ય પાઉં, બ્રેડ, પિત્ઝા બેઇઝનાં 5 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જુદા-જુદા 23 વેપારીઓને ત્યાં ચેકીંગ કરી 7 વેપારીઓને લાયસન્સની નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે જ કાળા તલ, તલની ચીકી, હળદર પાઉડર સહિતના નમુના લેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ફૂડ વિભાગની ટીમો દ્વારા યાજ્ઞિક રોડ પર શ્રીનાથજી ફાસ્ટ ફૂડમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પેઢીમાં સંગ્રહ કરેલ વાસી સડેલા અખાધ્ય જણાતા બાફેલા બટેટાનો 04 કિ.ગ્રા. તથા એક્સપાયરી થયેલ ચોકલેટ સોસનો 01 કિ.ગ્રા. મળી કુલ 05 કિ.ગ્રા. જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. હાઈજેનિક કન્ડિશન જાળવવા તેમજ લાયસન્સ બાબતે નોટિસ આપવાની સાથે સ્થળ પરથી ચીઝ, બટર તથા લીલી ચટણીના નમૂના લેવામાં આવ્યા હતા.