રાજકોટમા સ્ટોક માર્કેટમાં રોકાણના નામે 11.47 લાખનું ફ્રોડ આચરવાના ગુનામાં ફરાર આરોપી જય ત્રિવેદીને સાયબર ક્રાઇમની ટીમે સુરતથી પકડી લીધો હતો. પકડાયેલ શખસ બેંક એકાઉન્ટધારક પાસેથી ખાતા મેળવી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતો હતો. આ બનાવ અંગે અંબીકા ટાઉનશીપ મેઈન રોડ પર રહેતાં દિપક પરસાણીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ એ-55 SMC સ્ટોક બુસ્ટ ગ્રુપ નામનુ વોટ્સએપ ગ્રુપ બનાવી ફરિયાદીને તે ગ્રુપમાં એડ કરી સારા વળતરની લાલચ આપી હતી.
બેન્કના અલગ-અલગ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી ખોટી લોભામણી જાહેરાતો આપી ફરિયાદીને SMC કેપીટક કસ્ટમર કેર 75 નામના ગ્રુપના એડમિને ફરિયાદીને લિંક મોકલી SMC મનીવાઇઝ બી વાઇઝ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફરિયાદીને વિશ્વાસમાં લઇ ફરિયાદી પાસે અલગ-અલગ બેન્કના અલગ-અલગ એકાઉન્ટમાં કટકે કટકે રૂપિયા ટ્રાન્સફર કરાવી કુલ રૂ. 11,47,000નું રોકાણ કરાવી બાદમાં રોકાણના રૂપિયા પરત ઉપાડવા નહી દઇ વિશ્વાસધાત છેતરપીંડી કરી હતી.
એકાઉન્ટ ભાડે લઈ બાદમાં 5 ટકા કમિશને સૂત્રધાર સુધી પહોંચડતો શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ CP મહેન્દ્ર બગડીયા અને DCP ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિતનાએ સાયબર ફ્રોડના કિસ્સામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવાની આપેલ સુચનાથી સાયબર ક્રાઈમ પોલીસે ફ્રોડના નામવાળા નાસતા-ફરતા આરોપી જયકુમાર ધિરેન્દ્ર ત્રીવેદી (રહે. આકાશદીપ ટાવર ફ્લેટ નં. 107 પાર્ક કોલોની કુણાલ કોમ્પલેક્ષની પાછળ, જામનગર)ને સુરત ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી બેંક હોલ્ડર પાસેથી એકાઉન્ટ ભાડે લઈ બાદમાં 5 ટકા કમિશન મેળવી મુખ્ય સૂત્રધાર સુધી બેંક એકાઉન્ટ પહોંચડતો હતો. હવે પોલીસે સાયબર ફ્રોડ આચરતાં સૂત્રધાર સુધી પહોંચવા તજવીજ આદરી છે.