રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી. ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુલ 22 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જે પૈકી રૂ. 85 કરોડથી વધુનાં વિકાસ કામોની જુદી-જુદી 21 દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. જ્યારે સાંસદ રામ મોકરિયા સહિતના આસામીઓને જમીનનું વળતર આપવાની દરખાસ્ત સતત ત્રીજીવખત પેન્ડિંગ રાખવામાં આવી હતી. જેને લઈને ભાજપમાં આંતરિક જૂથવાદને કારણે દરખાસ્ત પેન્ડિંગ રખાતી હોવાની વાતો ચર્ચામાં આવી હતી. જોકે ચેરમેન જયમીન ઠાકરે વધુ અભ્યાસ માટે આવી દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવતી હોવાનો બચાવ કર્યો હતો. આ બેઠકમાં રાજકોટનાં ઐતિહાસિક માધવરાવ સિંધિયા સ્ટેડિયમનું નવરાત્રીમાં 15 દિવસનું GST સહિત રૂ. 34.80 લાખનું પેકેજ તેમજ અન્ય પ્રસંગો માટે દૈનિક ભાડુ રૂ. 5 લાખ અને ક્રિકેટ મેચ માટે રૂ. 5થી 10 હજાર ભાડું વસૂલવાને મંજૂરી આપવામાં આવી છે.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવેલી 22 દરખાસ્ત પૈકી 21 મંજુર કરવામાં આવી છે. જ્યારે જમીન વળતર અંગેની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટની જે દરખાસ્ત છે, જમીન સામે જમીન આપવાની જે દરખાસ્ત છે, એ હાલ પૂરતી વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ છે. બાકી બધી જ દરખાસ્તોને અમે લોકોએ મંજૂર કરી છે. દરખાસ્ત સતત ત્રીજીવાર પેન્ડિંગ હોવા અંગે તેમણે જણાવ્યું કે, ટાઉન પ્લાનિંગની વિસંગતતાઓ હોય છે, જેના કારણે અધિકારીઓ જસ્ટિફિકેશન ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડિંગ કમિટીમાં નથી કરી શકતા. જેના કારણે ભૂતકાળમાં પણ અનેક દરખાસ્તો 6 મહિના સુધી પેન્ડિંગ રહી ચુકી છે. વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને અમે લોકોએ હાલ પૂરતી પેન્ડિંગ રાખી છે.