રાજકોટ મનપાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ચાલતી ચેકીંગ ડ્રાઇવમાં ઇન્દિરા સર્કલ પાસે આવેલ પીઝા કન્ટ્રી નામની પેઢીમાંથી 5 કિલો અખાદ્ય ગાર્લિક બ્રેડનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રૈયા રોડની કનેરીયા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સીંગતેલ અને કપાસીયા તેલના નમૂના લેવાયા હતા. તેમજ રૈયા ચોકડી આસપાસના વિસ્તારોમાં 14 વેપારીઓને ત્યાં 14 નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં યુનિવર્સિટી રોડ નજીક ઇન્દિરા સર્કલ પાસે આવેલ પીઝા કન્ટ્રીમાં ફૂડ વિભાગની ટીમો ત્રાટકી હતી. ચેકિંગ કરતા ત્યાંથી પાંચ કિલો અખાદ્ય માલ મળી આવ્યો હતો. જેને પગલે સ્થળ પર જ આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ આ પેઢીને હાઇજેનિક કંડીશન જાળવવા અને યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ લાયસન્સ સહિતની બાબતો માટે નોટીસ ફટકારવામાં આવી હતી. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના હનુમાન મઢીથી રૈયા ચોકડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 14 ધંધાર્થીઓને ત્યાં 14 નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી.