રાજકોટનાં ટ્રોમાં સેન્ટરમાં દર્દીઓ માટે પડદા અને મોટા કુલર સહિતની વ્યવસ્થા

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ગરમીથી પરેશાન હોવાનું સામે આવ્યું હતું. કેટલાક દર્દીઓ ઘરેથી પંખા તેમજ કુલર લાવતા હોવાનું પણ સામે આવ્યું હતું. આ અંગેનાં અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા સિવિલ હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હતું. સિવિલ હોસ્પિટલનાં ટ્રોમાં સેન્ટરમાં દર્દીઓ માટે પડદા અને મોટા કુલર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે MLA દર્શીતાબેન શાહે જણાવ્યું હતું કે, હિટવેવ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. દર્દીઓને કોઈપણ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે.

પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં પડદા લગાવવામાં આવ્યા છે. જ્યાંથી વધુ તડકો આવતો હોય તેવી તમામ બારીઓમાં પડદા લગાવવામાં આવ્યા છે. તેમજ વોર્ડ દીઠ મોટા કુલર મૂકવામાં આવ્યા છે. જેને લઈને કાળઝાળ ગરમીમાં શેકાતા દર્દીઓ અને તેમના સગાઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આ ઉપરાંત પણ ઓપરેશન થિયેટર અને ડાયાલિસીસ સેન્ટરમાં વધુ ઠંડક માટે એસી તેમજ એર કુલર સહિતની જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. દર્દીઓને ઘરેથી પંખા લાવવા પડતા હોવાના અહેવાલો મીડિયામાં પ્રસારિત થતા તંત્ર દોડતું થયું છે. તમામ પંખાઓનાં રીપેરિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *