22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતેનાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પુરૂ થવાનાં અવસર પર સનાતન ધર્મરક્ષક સમિતિ દ્વારા રાજકોટમાં 9 દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અટલ સરોવરમાં 1500 ફૂટમાં રામમય માહોલ ઉભો કરી રામ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ સ્થળે લોકો નિઃશુલ્ક આવી ભગવાન રામનાં દર્શન કરી રહ્યા છે. દરરોજ સાંજનાં 4થી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં આજે 1008થી વધુ બાળકોએ ભગવાન શ્રીરામનો પહેરવેશ ધારણ કર્યો હતો. જેને લઈને જ્યાં જુઓ ત્યાં શ્રી રામ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
સનાતન ધર્મરક્ષક સમિતિનાં પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ વાંકનાં જણાવ્યા મુજબ અયોધ્યામાં શ્રી રામ મંદિરનાં નિર્માણને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેનાં અંતર્ગત સનાતન ધર્મરક્ષક સમિતિ તેમજ રોયલ રજવાડી ગ્રુપ દ્વારા 9 દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોવાથી ખાસ ઉજવણી કરવામાં આવી છે, જેમાં ભગવાન રામનાં ગુણગાનની સાથે 5થી 13 વર્ષના 1008થી વધુ બાળકો શ્રીરામ બન્યા છે. અને આયોજકો દ્વારા તેમને ચાંદલો કરી મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ પ્રકારે કોઈ ઉજવણી થઈ નથી. ત્યારે કાર્યક્રમનો વર્લ્ડ રેકોર્ડ સર્જાય એવી પૂરતી શક્યતા છે. આ માટે અમે વર્લ્ડ રેકોર્ડ નોંધતી કંપનીઓને ઇ-મેઇલ દ્વારા જાણ પણ કરી છે.