ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઇ રહી છે. ત્યારે રાજકોટના ચૌધરી હાઇસ્કૂલના સ્ટ્રોંગરૂમ પરથી સૌરાષ્ટ્ર અને કચ્છના 11 જિલ્લાના 25 ઝોનના 2 લાખ પ્રશ્નપત્રો અને પરીક્ષાલક્ષી સાહિત્ય સીલ પેક કવરમાં એસટી બસમાં રવાના કરવામાં આવ્યા જેમાં એક બસમાં એક પોલીસ જવાનનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના પૂર્વ નાયબ નિયામક અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રશ્નપત્રોના રાજકોટથી વિતરણ માટેના આર.એસ.ઉપાધ્યાયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટની ચૌધરી હાઇસ્કૂલથી રવિવારે અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં પ્રશ્નપત્રો મોકલી દેવાયા છે તેમજ આજે સવારથી રાજકોટ અને મોરબી જિલ્લામાં પ્રશ્નપત્રો મોકલાશે.
રાજકોટમાં 65 કેન્દ્રના 308 બિલ્ડિંગના 2753 બ્લોક પરથી 76,312 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જે સંખ્યા ગત વર્ષે 80,956 હતી એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 4,644 નો ઘટાડો નોંધાયો છે. એક પણ પરીક્ષા કેન્દ્ર ઉપર ગેરરીતિ ન થાય તે માટે જિલ્લાના વર્ગ 1 અને 2ના અધિકારીઓને ફરજ સોંપવામાં આવશે.