હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી સમર શિડ્યુલમાં દૈનિક 9 સહિત 12 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. ત્યારે હાલમાં રાજકોટથી બેંગ્લોર જતી દૈનિક ફ્લાઈટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફ્લાઈટ હાલ અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરી રહી છે. જો કે, આગામી માસથી ફરી આ ફ્લાઈટ દૈનિક ઉડાન ભરશે. આ દરમિયાન રાજકોટવાસીઓને દિલ્હીની નવી ફ્લાઈટની ભેટ મળે તેવું લાગી રહ્યું છે. કારણ કે, ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા દિલ્હીની નવી ફ્લાઈટ શરૂ કરવા માટે મંજૂરી માગવામાં આવી છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પરના હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ, સુરતની 1-1 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. આ સાથે જ કુલ 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. તાજેતરમાં એરક્રાફ્ટની શોર્ટેજ અને મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં બેંગ્લોરની ફ્લાઈટ ગત સપ્તાહથી દૈનિકને બદલે અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરી રહી છે. હાલ આ ફ્લાઈટ સોમવાર, બુધવાર અને શનિવારે ઉડાન ભરી રહી છે. જો કે, જૂન માસથી આ ફ્લાઈટ ફરી દૈનિક શરૂ થઈ જશે તેવુ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા રાજકોટથી દિલ્હી માટે નવી ફ્લાઈટ શરૂ કરવા માટેની પ્રપોઝલ મૂકવામાં આવી છે. હાલ દિલ્હી માટે એર ઇન્ડિયાની 1 અને ઇન્ડિગોની 1 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે.