બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ નિર્માણ પામી છે. તેેને કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રનો ઉદ્યોગ પ્રભાવિત થયો છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર સાથે રો-કોટન, ડાયસ કેમિકલ, રેડિમેઈડ ગાર્મેન્ટ, યાર્ન સહિતના ક્ષેત્રમાં વેપાર થાય છે.જે અંદાજિત વાર્ષિક 1500 કરોડ છે. નવા ઓર્ડર લેવામાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ અવઢવમાં છે.વેપારમાં વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે.
રાજકોટથી ઉદ્યોગકારો 30 સપ્ટેમ્બર સુધી બાંગ્લાદેશ નહિ જવા માટેનો નિર્ણય લીધો છે.તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર અને બાંગ્લાદેશમાં ડાયસ કેમિકલનો પ્લાન્ટ ધરાવતા અચ્યુતભાઈ જસાણીએ જણાવ્યું છે. બાંગ્લાદેશ તરફથી જે ઓર્ડર મળ્યા હતા તેના પર થતું કામ અટકાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહિ બાંગ્લાદેશમાં પ્લાન્ટ ધરાવતા ગુજરાતીઓએ ત્યાં પણ ઉત્પાદન અટકાવી દીધું છે. હાલ આર્થિક વ્યવસ્થા પડી ભાંગી છે.જો આવી પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો જે નાણાકીય રોટેશન છે તે અટકી જાશે.
વધુમાં વેપારીઓના જણાવ્યાનુસાર રોડ-પોર્ટ પર અંદાજિત 500થી વધુ કન્ટેનર ફસાઈ ગયા છે. કસ્ટમ અને બેકિંગ સિસ્ટમ ક્યારે રાબેતા મુજબ થશે તેનું કોઈ અનુમાન અત્યારે લગાવી શકાય નહિ. અત્યારે ત્યાં સૌથી મોટી સમસ્યા કેશ ડિપોઝિટ અને ડેબિટની છે. એક ખાતામાં માત્ર રૂ.2 લાખ સુધીની જ રકમ ઉપાડવાની છૂટ છે. જેને કારણે ત્યાંના કર્મચારીઓને પગાર કેમ ચૂકવવો તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે. વેપાર ઉદ્યોગ જે રીતે પ્રભાવિત થયો છે તેને રાબેતા મુજબ થતા અંદાજિત ત્રણ માસ થઈ જશે.