ઓગસ્ટમાં યોજાનારા લોકમેળાને લઇને વહીવટી તંત્ર અને રાઈડ્સ સંચાલકો આમને- સામને થયા છે. મંગળાવરે મળેલી બેઠકમાં કલેક્ટરે એસ.ઓ.પી.માં રાહત આપવા માટેની સ્પષ્ટ ના પાડી દીધી છે, તો સામે રાઈડ્સ સંચાલકોએ લોકમેળાનો બહિષ્કાર કર્યો છે. ત્યારે વહીવટી તંત્રએ રાઈડ્સ વગર લોકમેળો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સામે બીજી તરફ રાઈડ્સ સંચાલકો સાંસદ રૂપાલાને આજે મળશે. આ વર્ષે લોકમેળો ચકડોળે ચઢ્યો છે ત્યારે વહીવટી તંત્ર અને રાઈડ્સ સંચાલકો વચ્ચે સમાધાન થાય છે કે કેમ તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે.
14થી 18 ઓગસ્ટ સુધી યોજાનારા લોકમેળાને લઇને 115 ફોર્મ ઉપડ્યા છે. જેની સામે ભરાઈને માત્ર 20 જ આવ્યા છે. જેમાં રાઈડ્સ માટેનું એક પણ ફોર્મ નથી. ત્યારે રાઇડ્સ સંચાલકો મેળામાં ભાગ ન લે તો વૈકલ્પિક વ્યવસ્થાની વહીવટી તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. નાની ચકરડી તેમજ ખાણી-પીણી, આઈસક્રીમ સહિતના સ્ટોલ માટે વેપારીઓનો સંપર્ક કરવાની કવાયત શરૂ કરી દેવાઈ છે. રાઈડ્સ સંચાલકો અને કલેક્ટર વચ્ચે મળેલી બેઠકમાં ચોથી વાર ફોર્મ ભરવાની મુદત નહિ વધે તેવું સ્પષ્ટ પણે જણાવી દીધુ હતું, તો સામે રાઈડ્સ સંચાલકો એક પણ ફોર્મ નહિ ઉપાડે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેની સામે હવે વહીવટી તંત્રએ રાઇડ્સ વિના જ લોકમેળો કરવા માટેની તૈયારી કરી દીધી છે. રાઈડ્સ સંચાલકોની માગણી એ છે કે, સિમેન્ટના આર.સી.સી. ફાઉન્ડેશનને બદલે લોખંડનું ફાઉન્ડેશન કરવાની છૂટ આપવામાં આવે. જ્યારે એસ.ઓ.પી.માં આર.સી.સી. ફાઉન્ડેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. લોકોની સુરક્ષામાં કોઇ બાંધછોડ નહિ થાય. તેમ કલેક્ટર તરફથી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.
આજે રાઇડ્સ સંચાલકો સાંસદ પરસોત્તમ રૂપાલાને મળશે અને મધ્યસ્થી કરવા તેમજ એસઓપીના નિયમમાં અમુક પ્રકારની છૂટછાટ આપવા માગ કરાશે. આ ઉપરાંત જો એસઓપીમાં કોઈ રાહતનહીં અપાય તો રાઈડ્સ સંચાલકોએ ધરણાંની પણ ચીમકી ઉચ્ચારી છે.