રહીમ અલ-હુસેનીને આગા ખાનના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા છે. તેઓ વિશ્વભરના લાખો ઇસ્માઇલી મુસ્લિમોના નવા ધાર્મિક નેતા બનશે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક અનુસાર, પ્રિન્સ રહીમ અલ-હુસેની આગા ખાન (પંચમ) ને બુધવારે ઇસ્માઇલી સમુદાયના 50મા આધ્યાત્મિક નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કે X પર લખ્યું છે કે, પ્રિન્સ રહીમ અલ-હુસેની આગા ખાન (પંચમ)ને બુધવારે શિયા ઇસ્માઇલી મુસ્લિમોના 50મા વારસાગત ઇમામ (ધાર્મિક નેતા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રિન્સ રહીમના નામની જાહેરાત તેમના સ્વર્ગસ્થ પિતા, પ્રિન્સ કરીમ અલ-હુસેની આગા ખાન IV (ચતુર્થ)નું વસિયતનામું ખોલ્યા બાદ કરવામાં આવી હતી.
ઇસ્માઇલી મુસ્લિમોના ધાર્મિક અને આધ્યાત્મિક નેતા અને અબજોપતિ આગા ખાનનું મંગળવારે 88 વર્ષની વયે પોર્ટુગલમાં અવસાન થયું. તેઓ શિયા ઇસ્માઇલી મુસ્લિમોના 49મા વારસાગત ઇમામ હતા. આગા ખાનને ૩ દીકરા અને એક દીકરી છે.
આગા ખાનને તેમના અનુયાયીઓ પયગંબર મુહમ્મદના સીધા વંશજ માને છે અને તેમને રાષ્ટ્રાધ્યક્ષ માનવામાં આવે છે. ઇસ્માઇલી મુસ્લિમોના 1,400 વર્ષના ઇતિહાસમાં, તેઓનું હંમેશા જીવંત વારસાગત ઇમામે નેતૃત્વ કર્યુ છે. ઇસ્માઇલીઓ 35થી વધુ દેશોમાં રહે છે અને તેમની સંખ્યા આશરે 12 થી 15 મિલિયન છે.