રવાપર જમીન કૌભાંડમાં દસ્તાવેજો નકલી સાબિત થતાં જ થશે FIR

મોરબીના રવાપર ગામે રવા વસ્તા દલવાડી નામની મૃતક વ્યક્તિની 40 કરોડની જમીન બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થતા જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. જેથી તમામ નોંધ રદ કરી ફરીથી રવા વસ્તાના નામે જમીન કરાઈ છે અને હવે દસ્તાવેજોની ચકાસણી બાદ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી બતાવાઈ છે. મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે નાયબ કલેક્ટરે નોંધ રદ કરતા અપીલનો કેસ તેમના સુધી આવ્યો હતો. પ્રથમ સુનાવણીમાં જ તેઓએ રવા વસ્તા દલવાડીની જમીનમાં કોઇપણ વેચાણ કે અન્ય ફેરફાર કરવા સંદર્ભે સ્ટે આપી દીધો છે.

નકલી દસ્તાવેજોને આધારે જમીન વેચવા મામલે તેઓએ જણાવ્યું હતું કે, આ વ્યવહારમાં નકલી આધારકાર્ડ કે અન્ય નકલી દસ્તાવેજોના ઉપયોગ મામલે તપાસ ચાલી રહી છે. પ્રાંત અધિકારી આ તપાસનો રિપોર્ટ આપશે અને દસ્તાવેજો નકલી સાબિત થતા પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરાશે. મોરબીના રવાપરની જમીનના દસ્તાવેજ થયા બાદ કાચી નોંધ પડી હતી પણ પાકી નોંધ પડે તે પહેલા જ દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કરી નાખ્યો હતો. રવા વસ્તા દલાવાડીની ઓળખ આપી જે કચ્છનો શખ્સ જમીન વેચીને સહી કરી ગયો કે કોઇ અન્ય વ્યક્તિ છે. આ માટે ભાસ્કરે તમામ પુરાવાઓ પણ આપ્યા હતા.

જેને લઈને પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ પણ કાચી નોંધ કરી નાખી હતી જેથી સાબિત થયું હતું કે આ જમીન બારોબાર વેચવાનું જ કૌભાંડ છે. જો કે નોંધ રદ કર્યા બાદ પણ પ્રાંત અધિકારીએ હુકમ છુપાવ્યો હતો અને ક્યા દસ્તાવેજ કે ઓળખકાર્ડ નકલી લાગતા તેઓએ નોંધ રદ કરી છે તે પણ વિગત આપવા ઈનકાર કર્યો હતો અને તપાસ હજુ ચાલુ છે તેમજ તેમાં સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના સ્ટાફની સંડોવણીની પણ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *