રદ થયેલી રૂ.2 હજારની બે નોટનું રૂ.600 કમિશન લઇ દલાલે સ્વીકારી, 9 નોટ મળી

શહેરના જ્યુબિલી ચોકમાં આવેલી દુકાનનો સંચાલક ચલણમાંથી દૂર થયેલી રૂ.2 હજારની નોટ કમિશનથી સ્વીકારતો હોવાનો ભાંડાફોડ થયો છે. દુકાન સંચાલકે રૂ.2 હજારની 2 નોટ સ્વીકારી તેના બદલામાં યુવકને રૂ.3400 ચૂકવ્યા હતા. બાદમાં પોલીસે દુકાનમાં તપાસ કરતાં રૂ.2 હજારની 9 નોટ મળી આવી હતી.

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા મયૂર દિલીપભાઇ કુંગશિયા પાસે રૂ.2 હજારની 2 નોટ હતી. જ્યુબિલી ચોકમાં આવેલી મહેતા પેન ડીપો નામની દુકાનમાં ચલણી નોટ કમિશનથી બદલી અપાતી હોવાની માહિતી હોવાથી મયૂર કુંગશિયા રૂ.2 હજારની 2 નોટ લઇને દુકાને ગયો હતો અને દુકાનદારને રૂ.2 હજારની નોટ વટાવવાની વાત કરતાં દુકાનદારે રૂ.2 હજારની 1 નોટનું રૂ.300 કમિશન કપાશે તેમ કહ્યું હતું. અને પોતાની પાસે રહેલી રૂ.2 હજારની 2 નોટ દુકાનદારને આપતા દુકાનદારે 2 નોટના રૂ.600 કમિશન પેટે કાપી લઇ મયૂર કુંગશિયાને રૂ.3400 આપ્યા હતા. ચલણમાંથી દૂર કરાયેલી રૂ.2 હજારની નોટ કમિશનથી વટાવી અપાતું હોવાનું સ્પષ્ટ થતાં આ અંગે જાણ કરાતાં જ એસઓજીના પીઆઇ એસ.અેમ.જાડેજા સહિતની ટીમ મહેતા પેન ડીપો દુકાને દોડી ગઇ હતી અને તપાસ કરતાં દુકાનમાંથી રૂ.2 હજારની 9 નોટ મળી આવી હતી. પીઆઇ જાડેજાએ જણાવ્યું હતું કે, રૂ.2 હજારની વધુમાં વધુ 5 નોટ આરબીઆઇમાં મોકલી શકાય છે અને આરબીઆઇ તે નોટ સ્વીકારી નોટ જમા કરાવનારના ખાતામાં તેટલી રકમ જમા કરી આપે છે. જોકે કમિશનથી નોટ વટાવી આપવી તે ગુનાહિત કૃત્ય છે અને આ બાબતે આરબીઆઇનું માર્ગદર્શન મેળવાશે. પોલીસે હાલમાં રૂ.2 હજારની 9 નોટ કબજે કરી દુકાન સંચાલકો મહેશ કેશવલાલ મહેતા અને મીતલભાઇ અરૂણ મહેતાને સકંજામાં લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *