રાજકોટમાં કૈલાસધામ આશ્રમમાં રથયાત્રાની તૈયારીના શ્રીગણેશ શરૂ કરી દેવામાં આવ્યા છે. રથયાત્રાના આયોજન અંગે રવિવારે ધાર્મિક સંસ્થાઓની બેઠકનું આયોજન કરાયું છે. જેમાં 80થી વધુ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જોડાશે. આ તકે વિવિધ કમિટીની રચના પણ કરવામાં આવશે. રથનું પૂજન કરાયા બાદ હાલમાં કલાકારોએ રથને શણગારવા અને અને તેને કલર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. જ્યારે ભગવાનના વાઘા 25 મીએથી વૃંદાવનથી આવશે અને ત્યારે સંતો-મહંતો આવશે.
આ અંગે વધુ માહિતી આપતા કૈલાસધામ આશ્રમના મહંત ત્યાગી મનમોહનદાસજીએ જણાવ્યું હતું કે, મામેરા વિધિનો લાભ રાજકોટના અભયભાઈ ભારદ્વાજ અને તેના પરિવારજનો લેશે. મામેરા વિધિ 5 જુલાઈના રોજ યોજાશે.જ્યારે કળશ યાત્રા 21 જૂનના રોજ યોજાશે. જેમાં વિવિધ ધાર્મિક સ્થળોનું જળ એકત્રિત કરવામાં આવશે. આ જળથી 6 જુલાઈના રોજ ભગવાનનો જળાભિષેક અને સ્નાન વિધિ યોજાશે. રથયાત્રા કૈલાસધામ આશ્રમ ખાતેથી શરૂ થશે અને શહેરના વિવિધ માર્ગો પર ફરશે. રથયાત્રા અંદાજિત 8 કિમી લાંબી હશે. રથયાત્રા દરમિયાન ધાર્મિક, સામાજિક સંદેશાઓ આપતા ફ્લોટ્સ રજૂ કરવામાં આવશે. તેમજ ઉજ્જૈનથી રાસ મંડળી વિવિધ રાસ રજૂ કરશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ પણ રાસ મંડળીઓ રાસ-ગરબાની જમાવટ કરશે. રાજકોટમાં રથયાત્રા દરમિયાન દેશભરમાંથી સંતો-મહંતો હાજરી આપશે.