રણછોડનગરમાં લિફ્ટ રિપેરિંગ કરતી વેળાએ વીજશોક લાગતાં કિશોરનું મોત

શહેરમાં સંત કબીર રોડ પર ગણપતિ બેંગલ નામની ઇમિટેશનની ઓફિસની બિલ્ડિંગમાં લિફ્ટ રિપેરિંગ કરતી વેળાએ કિશોરને વીજશોક લાગતાં તેનું મોત નીપજ્યું હતું. એકના એક પુત્રનાં મોતથી પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે બી.ડિવિઝન પોલીસે તપાસ કરતાં મૃતક સગીર હોય છતાં તેને નોકરી પર રાખ્યો હોવાનું બહાર આવતા પોલીસે લિફ્ટ રિપેરિંગ કરતી પેઢીના સંચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી પાસેના ઉદયનગરમાં રહેતો શ્લોક કિશોરભાઇ લીંબાસિયા (ઉ.16) તા.28ના રોજ સંત કબીર રોડ પર ગણપતિ બેંગલ નામના ઇમિટેશનની ઓફિસના બિલ્ડિંગમાં લિફ્ટ રિપેરિંગ કરવા ગયો હતો ત્યારે કામ કરતી વેળાએ વીજકરંટ લાગતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે જમાદાર હિતેશભાઇ જોગડા સહિતે તપાસ કરતાં મૃતક એક ભાઇ એક બહેનમાં મોટો હોવાનું અને પરિવારનો આધારસ્થંભ હોવાનું તેમજ તેના પિતા મજૂરી કામ કરે છે. તેમજ મૃતક શ્લોક સંજયભાઇ ભટ્ટની લિફ્ટ રિપેરિંગ કરતી પેઢીમાં નોકરી કરી તેના પરિવારને મદદ રૂપ થતો હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *