રજપૂતપરામાં રમત-ગમતના સાધનોનું વેચાણ કરતા વેપારીને RTO ઇ-ચલણ મોકલી ગઠિયાએ રૂપિયા ખંખેર્યા

રાજકોટ શહેરના અક્ષર માર્ગ વિસ્‍તારમાં રહેતાં અને રજપૂતપરા મેઈન રોડ પર રમત ગમતના સાધનોનો વેપાર કરતા વેપારી સાયબર ફ્રોડનો ભોગ બન્‍યા છે. વેપારીને અજાણ્‍યા શખસે વ્હોટ્સએપ પર ટ્રાફિક ચલણની લિંક મોકલી વેપારીનો મોબાઈલ હેક કરી અને તેમના બેંક એકાઉન્‍ટમાંથી 10.87 લાખ રૂપિયા ટ્રાન્‍સફર કરી લેતાં સાબયર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વ્‍હોટ્‍સએપ નંબર પરથી ‘RTO ટ્રાફિક ચલાન’ની APK ફાઈલ આવી કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદિર સામે અક્ષર માર્ગ પર હરિહર સોસાયટીમાં રહેતાં અને રજપૂતપરા મેઇન રોડ પર હાઉઝેટ સ્‍પોર્ટ કોર્નર નામે રમત ગમતના સાધનોનો વેપાર કરતાં સંદિપભાઇ પ્રવિણચંદ્ર ગાંધી (ઉ.વ.62)ની ફરિયાદ પરથી અજાણ્‍યા વ્‍હોટ્‍સએપ નંબરના ધારક સામે પોલીસે ગુનો નોંધ્‍યો છે. સંદિપભાઇને તારીખ 26 ડિસેમ્બર 2025ના રોજ અજાણ્‍યા વ્‍હોટ્‍સએપ નંબર પરથી એક ‘RTO ટ્રાફિક ચલાન’ નામની એપીકે ફાઈલ આવી હતી. માટે પોતાના વાહનનું ચલણ છે કે કેમ તે જોવા ફાઈલ ઓપન કરી ડાઉનલોડ કરતા તેમાં કંઈ દેખાયું ન હતું અને ફોન હેંગ થઈ ગયો હતો.

ફોન હેક થયો હોવાની શંકા જતા તેઓ તુરંત તે ફાઈલમાંથી બહાર નીકળી ગયા હતા. ત્‍યારબાદ તા. 6 જાન્યુઆરી 2026ના રોજ સંદીપભાઇ પોતાની દુકાનેથી HDFC બેંકમાં રૂ.41,000નો ચેક જમા કરાવીને પરત આવતા હતા, ત્‍યારે તેમના મોબાઈલ પર રૂપિયા વિથડ્રોલનો મેસેજ આવતા તેઓ ચોંકી ગયા હતા અને બેંકમાં તપાસ કરતા જાણવા મળ્‍યું કે તેમની જાણ બહાર જ તેમના બે અલગ-અલગ ખાતાઓમાંથી કુલ રૂપિયા 10,87,790 ટ્રાન્‍સફર થઈ ગયા હતા.

સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી HDFC એકાઉન્‍ટમાંથી રૂપિયા 99,990 અને 50,000 તેમજ કરંટ એકાઉન્‍ટમાંથી 4,40,000 અને 4,98,000ના વ્‍યવહારો થયા હતા. આટલી મોટી રકમ ઉપડી જતા સંદીપભાઇએ તુરંત જ બંને ખાતાઓ સ્‍ટોપ કરાવી દીધા હતા અને બેંક મેનેજરની સલાહ મુજબ તેમણે 1930 સાયબર હેલ્‍પલાઇન પર કોલ કરી અરજી નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *