રજપૂતપરામાં કાચના વેપારીનો દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત

શહેરના રજપૂતપરામાં કાચનો વેપાર કરતા 40 વર્ષીય યુવકે બપોરે ઘરેથી જમીને આવ્યા બાદ દુકાનમાં જ દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બનાવને પગલે આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગતો અનુસાર, ભગવતીપરામાં મુફતદર એપાર્ટમેન્ટમાં રહેતા અને રજપૂતપરા શેરી નં.6માં કાચની દુકાન ધરાવતા વેપારી યુસુફ ફિરાખખાન (ઉં.વ.40)એ રવિવારે બપોરે 3 વાગ્યા આસપાસ ઘરેથી જમીને આવ્યા બાદ દુકાનમાં જ દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

વારંવાર પત્નીના કોલ ન ઉપાડતા વેપારી યુવકની પત્નીએ દુકાને આવી જોયું તો, દુકાનનું શટર બંધ હતું. શટર ખોલીને પતિ છતના હૂક સાથે દોરી વડે ગળાફાંસો ખાઇ લટકતી હાલતમાં જોતા તેણીએ દેકારો કરી નજીકમાં રહેતા દુકાનદારો દોડી આવ્યા હતા.

બાદમાં તાત્કાલિક 108ને જાણ કરતાં 108ના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરી બનાવની પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટે. લાભુભાઇ જતાપરા સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક, ઘણા સમયથી કાચનો વેપાર કરતા હતા. મૃતક બે ભાઇમાં નાના હતા અને તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.યુવકે ક્યાં કારણસર પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *