આજે શ્રાવણ સુદ પૂનમ છે. આ દિવસે રક્ષાબંધન છે તેમજ ભૂદેવો, અન્ય લોકો જે યજ્ઞોપવિત ધારણ કરે છે તેને વિધિસર બદલવાની હોય છે. રક્ષાબંધનના દિવસે બપોરે 1.31 સુધી વિષ્ટિકરણ હોવાથી રાખડી બાંધવા માટે વિષ્ટિકરણને દોષ કારક માનવામાં આવે છે. આથી બપોરના 1.31 પછી રાખડી બાંધવી શુભ રહેશે. જ્યારે જનોઈ બદલાવા માટે વિષ્ટિકરણ દોષ કારક ગણાતું નથી. આથી સોમવારે સવારે જનોઈ બદલાવી શુભ રહેશે. તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશીએ જણાવ્યું છે. રાખડી બાંધવા માટે બપોરે 2.26થી સાંજે 7.15 સુધી ચલ, લાભ અને અમૃત ચોઘડિયા છે. જ્યારે રાત્રે પ્રદોષ કાળનો શુભ સમય સાંજે 7.14થી 9.28 સુધીનો છે. જનોઈ બદલાવવા માટે સવારે ચંદ્ર હોરા 6.27થી 7.30 સુધી, ગુરુ હોરા સવારે 8.35થી 9.39 સુધી અને બુધ, શુક્ર હોરા બપોરે 11.46થી 1.53 સુધી છે. આ દિવસે સાગરખેડુ, માછીમારો દરિયામાં શ્રીફળ પધરાવીને દરિયાનું પૂજન કરે છે.
રક્ષાબંધનના દિવસે બહેનોએ સૌ પ્રથમ ગણપતિદાદાને દીવો કરી કંકુથી ચાંદલો ચોખા કરવા, શ્રીકૃષ્ણ ભગવાનને ચંદનનો ચાંદલો, ચોખા કરવા ભગવાનને રાખડી પહેરાવી ભગવાનને મીઠાઈ અર્પણ કરવી. ત્યારબાદ પોતાના ભાઈને ચાંદલો ચોખા કરી જમણા હાથે રાખડી બાંધી મીઠું મોઢું કરાવી દુખણા લેવા. પૌરાણિક કથા અનુસાર કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્ણાવતીએ હુમાયુને રક્ષાબંધનની રાખડી મોકલી ધર્મનો ભાઈ બનાવ્યો હતો. એક અન્ય કથા અનુસાર શિશુપાલના વધ સમયે શ્રીકૃષ્ણ ભગવાનને આંગળીમાં લાગે છે. ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડી ફાડી અને શ્રીકૃષ્ણ ભગવાનની આંગળીમાં બાંધે છે અને ભગવાને પણ દ્રૌપદીજીની રક્ષા કરેલી. તે ઉપરાંત બીજી એક પૌરાણિક કથા પ્રમાણે જ્યારે દેવ-દાનવો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે દેવતાઓ હારવા માંડે છે ત્યારે ઇન્દ્રાણી ઇન્દ્રને રાખડી બાંધે છે અને ત્યારબાદ ઇન્દ્ર અને દેવોનો વિજય થાય છે. આમ રક્ષાબંધનનું મહત્ત્વ પૌરાણિક રીતના ઘણું રહે છે.