રાજકોટના રેસકોર્સના મેદાનમાં ભાતીગળ લોકમેળો ‘ધરોહર’ યોજવા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરમાં લોકમેળા ઉપરાંત ચાર ખાનગી મેળા યોજાશે તેમ જાણવા મળે છે. જોકે હજુ સુધી પોલીસ કમિશનર કચેરીની સ્પેશિયલ બ્રાન્ચે એકપણ ખાનગી મેળાને મંજૂરી ન આપ્યાનું ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું. જ્યારે લોકમેળામાં આઇસક્રીમના ધંધાર્થીઓની ઉઘાડી લૂંટ રોકવા કાનૂની માપ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે તોલમાપ વિભાગની ટીમ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે.
લોકમેળામાં નવી એસઓપીના અમલીકરણના કારણે યાંત્રિક રાઇડ્સનું કોકડું લાંબા સમય સુધી ગૂંચવાયેલું રહ્યા બાદ એકીસાથે 31 પ્લોટ્સ એક જ પાર્ટીને આપી દેવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્રે કર્યો હતો અને 31 પ્લોટ લેનાર આસામીએ રૂ.1.27 કરોડ જમા કરાવી દીધા બાદ 13 પ્લોટ નાના-નાના ધંધાર્થીઓને વેચાતા આપી દીધા છે અને બાકીના 18માં પોતાની રાઇડ્સ લગાવવા તજવીજ હાથ ધરી છે ત્યારે હવે યાંત્રિક રાઇડ્સમાં ફાઉન્ડેશન તથા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનું કોકડું ઉકેલાઇ જતા ખાનગી મેળાના આયોજકો પણ પડમાં આવ્યા છે અને શહેરમાં ચાર જેટલા ખાનગી મેળા યોજવા અલગ-અલગ ગ્રૂપોએ કવાયત હાથ ધરી છે અને પોલીસ કમિશનર કચેરીની સ્પેશિયલ શાખામાં મંજૂરી માટે અરજી કરી છે.