રંગીલા રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેનું નામ શૌર્યનો સિંદૂર લોકમેળો આપવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની જનમેદની મેળો માણવા માટે ઉમટી પડશે ત્યારે તેને લઈને રેસકોર્સ મેદાનમાં ફજત – ફાળકા સજ્જ થઈ ચૂક્યા છે. રાજકોટવાસીઓમાં એટલો ઉત્સાહ છે કે, તેઓ કહી રહ્યા છે કે કોઈપણ આફત આવશે તો પણ અમે મેળાની મજા માણવા માટે પરિવાર સાથે અચૂક આવશું. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે પાંચ દિવસનો જન્માષ્ટમીનો મેળો વરસાદમાં ધોવાઈ ગયો હતો. જેથી બાદમાં વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ અને પ્લોટના લીધેલા તમામ નાણાં વેપારીઓને પરત આપી દીધા હતા.

ગમે તેવી આફત આવે આ વર્ષે મેળાની મજા જરુર માણીશું- શહેરીજન રેસકોર્સ મેદાનમાં જ્યાં લોકમેળો યોજાવાનો છે ત્યાં પોતાના પૌત્રને લઈને આવેલા દાદા અનંતભાઈ સોનીએ જણાવ્યું હતું કે, આ મેળો છે એ રંગીલા રાજકોટનો મેળો છે. ગમે તેવી આફત આવે તો પણ મેળાની મજા માણવા અમે ચોક્કસ આવશું. મેળે આવવાના અને મેળે મેળે જવાના. ઉલ્લેખનીય છે કે, મેળામાં હવે 234 સ્ટોલ અને પ્લોટ માંથી 24 સ્ટોલ ખાલી રહ્યા છે. જોકે તે પણ મેળો શરૂ થયા પહેલા અપાય જશે તેવુ કલેકટર ડૉ. ઓમ પ્રકાશનું કહેવું છે. લોકમેળામાં AI અને ડ્રોનની મદદથી ભીડનું નિયંત્રણ કરવામાં આવશે. આ સાથે જ ઈમરજન્સી માટે ડેડીકેટેડ રોડ, 5 વોચ ટાવર પરથી NDRF અને SDRF સહિતની ટીમ ખડેપગે રહેશે. જ્યારે આ મેળામાં અઘોરી ગ્રુપ સહિતના આકર્ષણ જોવા મળશે તો સૌરાષ્ટ્રના નામાંકિત 50થી વધુ કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે સ્ટેજ અપાશે. આ ઉપરાંત હાલ રેસકોર્સ મેદાનમાં હજુ યાંત્રિક રાઈડ ઉભી કરવાનું શરૂ કરવામાં નથી આવ્યું ત્યારે તેઓ ઝડપથી રાઈડ ઉભી કરી સોઈલ ટેસ્ટ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરે તેવું કલેક્ટરે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *