યુ.કે.માં વર્ક પરમિટ વિઝા, નોકરી અપાવવાની લાલચ આપી સુરતના શખ્સે રૂ.14.18 લાખ પડાવ્યા

મવડીના શ્રેષ્ઠવિલા એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદભાઇ ભીમજીભાઇ કાછડિયા (ઉ.વ.54)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતના મોટા વરાછામાં આવેલા અનમોલ રો હાઉસમાં રહેતા જૈમીન હિંમત લાઠિયાનું નામ આપ્યું હતું. અરવિંદભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના વતન ચિરોડા ગામનો રાજ સોજીત્રા હાલમાં યુ.કે.માં વર્ક પરમિટ પર કામ કરતો હોય તેણે અરવિંદભાઇને ફોન કરી તેમના પુત્ર કૌશલને યુ.કે. મોકલવો હોય તો સુરતના જૈમીન લાઠિયા વ્યવસ્થા કરાવી આપશે તેમ કહ્યું હતું અને થોડા દિવસ બાદ રાજ સોજીત્રાએ કોન્ફરન્સ કોલથી અરવિંદભાઇ અને જૈમીન વચ્ચે વાતચીત કરાવી હતી જેમાં જૈમીન લાઠિયાએ કૌશલને પાંચ વર્ષના સ્કિલ્ડ વર્ક પરમિટ વિઝા તથા નોકરી અપાવશે તેનો ખર્ચ રૂ.17 લાખ થશે તેમ કહ્યું હતું.

તમામ વાતચીત પૂરી થયા બાદ કૌશલના પાસપોર્ટ, રિઝ્યુમ, માર્કશીટ સહિતના દસ્તાવેજો વોટ્સએપ મારફત મોકલી આપ્યા હતા અને તા.25 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધીમાં અરવિંદભાઇએ કટકે કટકે રૂ.14,18,500 આંગડિયા પેઢી મારફત જૈમીનને મોકલી આપ્યા હતા. જૈમીને તા.15 એપ્રિલના કૌશલના બાયોમેટ્રિકની એપોઇન્ટમેન્ટ અમદાવાદમાં લઇ લીધાનું કહેતા તા.15 એપ્રિલના કૌશલ અને અરવિંદભાઇ અમદાવાદ ગયા હતા, પરંતુ બાયોમેટ્રિક માટે કૌશલનું ત્યાં કોઇ નામ નોંધાયું જ નહોતું, જેથી અરવિંદભાઇએ જૈમીનને ફોન કર્યા હતા પરંતુ તેણે રિસીવ કર્યા નહોતા અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં અંતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુરતના જૈમીન લાઠિયાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *