આ બનાવમાં રાજકોટમાં કુવાડવા રોડ વિવાહ પાર્ટી પ્લોટમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અજય સુરસિંહ કેગુસિંહ ભૂરિયા(ઉ.વ.23) દ્વારા થોરાળા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે કુવાડવા રોડ વિવાહ પાર્ટી પ્લોટ ખાતે બિલ્ડિંગમાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.17/08 રોજ તે તેના મિત્ર નરવેસિંહ ખુમસિંહ મેડા બન્ને રવિવાર હોવાથી આજી ડેમ ચોકડી બાજુ ગયા હતા. તેણે તેના હાથમાં ચાંદીનું કડું પહેરેલું હતું, પરંતુ આ કડું તેના હાથમાં ઢીલું થતું હોય જેથી તેણે આ કડું તેની પાસેની થેલીમાં રાખ્યું હતું.
આ થેલી હાથમાં લઈને આજી ડેમ રવિવારી બજારમાં ફરતા હતા ત્યારે બંને મિત્ર બપોરના આશરે બે વાગ્યાની આસપાસ રિક્ષામાં બેસી ભાવનગર રોડ, આર.એમ.સી.ઓફિસ સામે રિક્ષામાંથી ઉતરી ચાલીને રોડ ક્રોસ કરી બગીચા તરફ જતા હતા. ત્યારે બે અજાણ્યા શખ્સ તેમની પાસે આવ્યા અને તેમની સાથે ગુજરાતી ભાષામાં વાતચીત કરતા હતા. જેમાંથી એક શખ્સ શરીરે મજબૂત બાંધાનો હતો અને બીજો શરીરે પાતળા બાંધાનો હતો. બાદ મજબૂત બાંધાવાળા શખ્સે વાતચીત કરતા કરતા તેના હાથમાં રહેલી ચાંદીના કડાવાળી થેલી એકદમ આંચકીને આ બન્ને શખ્સ ભાગવા લાગ્યા હતા. જેથી તુરંત જ બંને મિત્રએ પણ તેનો પીછો કર્યો હતો, પરંતુ આ બન્ને ક્યાંક શેરીમાં જતા રહ્યા હોય જેથી ક્યાંય નહીં દેખાતા પકડાયા નહોતા. યુવકે થોરાળા પોલીસ મથકમાં ચાંદીનું કડું જેનો વજન આશરે 140 ગ્રામ કિંમત રૂપિયા 17હજારની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.