રાજકોટના વિછીયા તાલુકાના ઓરી ગામનો વતની અને શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગીતામંદિરની બાજુમાં બકાલાનો વેપાર કરતા અને ફૂટપાથ પર ઝૂપડામાં રહેતા 35 વર્ષીય ગુણવંત ઉર્ફે ગુણો રાજુભાઇ મકવાણાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં અજય તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે 26 મીએ સાંજે ખોરાણા ગામથી આગળ બીજી રેલ્વે ફાટક પછી આવેલ સીમમાં હતો ત્યારે આરોપી અજય નામનો માણસ કે જેના એક હાથના આંગળા કપાયેલ છે તે તથા તેની સાથેના બે અજાણ્યા માણસોએ ભુપી ઉર્ફે ભૂપેન્દ્ર સતનામસિંહ બાવરીને માર માર્યો હતો.
આ કામના ફરીયાદીને ફોન કરી બોલાવડાવી ફરીયાદી આવતા ખોરાણા ગામથી આગળ આવેલ સીમમાં લઇ જઈ ફરીયાદીને ગાળો આપી હતી અને લોખંડના પાઈપ તથા પ્લાસ્ટીકના પાઈપ વડે માર મારી શરીરે મુંઢ ઇજા કરી હતી. જેથી ફરીયાદીના જમણા પગમાં ફ્રેકચર થઈ ગયુ હતુ. બાદમાં ફરીયાદીને ગેરકાયદેર અટકાયતમાં રાખી ફરીયાદી પાસેથી 7 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ફરીયાદી પાસેથી બળજબરીથી રૂ.2.20 લાખ કઢાવી લીધા હતા. જેથી પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેક્ટર પર રમતા રમતા નીચે પડી જતા 2 વર્ષની બાળકીનું મોત રાજકોટના કુવાડવા ગામે શિવધારા સોસાયટી સામે ઝૂપડામાં રહેતા પરિવારની બે વર્ષની બાળકી રિયા કમલેશભાઇ ગુડીયા આજે સવારે 10.30 વાગ્યે ઝૂપડા પાસે હતી ત્યારે ટ્રેકટર પર રમતા રમતા નીચે પડી ગઈ હતી. જેથી તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં આ બાળકીને ગંભીર હાલતમાં કુવાડવા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે ફરજ પરના તબીબે બાળકીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જેથી ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતુ.