શહેરમાં આજી ડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતા રોડ પર યુવરાજનગરમાં રિક્ષાચાલક યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.બનાવને પગલે આજી ડેમ પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યુવરાજનગરમાં રહેતો અજય ધનાભાઇ ગોવાણી (ઉ.25)એ પોતાના ઘેર લોખંડની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારે જાણ કરતા 108ની ટીમે પહોંચી મરણ જાહેર કરતાં આજી ડેમ પોલીસ મથકના જમાદાર ડી.જે. જાડેજા સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ કરતાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું અને પિતા સાથે રિક્ષા ચલાવી પરિવારને મદદરૂપ થતો હોવાનું પરિવારે જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી હતી.