યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ ટ્રેડિંગ કર્યું અને 40.78 લાખ ગુમાવ્યા

કુવાડવા જીઆઇડીસીમાં દવા બનાવવાની ફેક્ટરી ધરાવતાં યુવકને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરવાથી મોટા વળતરની લાલચ આપી જાળમાં ફસાવી સાયબર ગઠિયાઓએ રૂ.40.78 લાખની છેતરપિંડી આચરી હતી. રાજકોટના ગોલીડા ગામે રહેતા અને કુવાડવા જીઆઇડીસીમાં આટકોટિયા એગ્રો ટેકનોલોજી નામે એગ્રીકલ્ચર પેસ્ટિસાઇડ દવાઓ બનાવવાની ફેક્ટરી ધરાવતા ભાવેશ ધીરજલાલ આટકોટિયાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભાવેશ આટકોટિયાએ આરોપી તરીકે ચોક્કસ મોબાઇલ નંબરના ધારક હોવાનું કહ્યું હતું. ભાવેશ આટકોટિયાએ ફરિયાદમાં જણાવ્યું હતં કે, ગત તા.1 ઓક્ટોબરના તેમના ફેસબુક એેકાઉન્ટ પર શ્રીષ્ટી નામની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જે તેમણે સ્વીકારી હતી બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી અને યુવતીએ તેનો વ્હોટ્સેપ નંબર આપ્યો હતો તેમાં પણ ચેટિંગ શરૂ થયું હતું.

તા.15ના યુવતીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહ્યું હતું પરંતુ ભાવેશે શરૂઆતમાં ના કહી હતી ત્યારબાદ યુવતીના કહેવાથી તેણે રોકાણ માટે તૈયારી બતાવતાં યુવતીએ એક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને બલબીરસિંઘ નામના વ્યક્તિનો મોબાઇલ નંબર આપ્યો હતો, તે શખ્સે વ્હોટ્સએપના એક ગ્રૂપમાં ભાવેશ આટકોટિયાને મેમ્બર બનાવ્યો હતો અને તેના કહ્યા મુજબ ભાવેશે અલગ અલગ બેંક ખાતામાં રોકાણરૂપે રૂ.40,78,042 જમા કરાવ્યા હતા, બાદમાં ભાવેશે તે રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં તે રકમ ઉપડી નહોતી અને વિવિધ ચાર્જ, ટેક્સ, વેરિફિકેશન ફી વગેરેના બહાને વધુ રકમ જમા કરાવવાની માંગ કરતા ભાવેશેે પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *