રાજકોટમાં રહેતી મહિલાને તેની સાથે મૈત્રી કરાર કરી રહેતા ધર્મેશપરી અશ્વિનપરી ગોસ્વામીએ હાથ ઉછીની રોકડ અને લોન લઈ રૂ.10.70 લાખ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હોવાનું અને મહિલાને આરોપીએ પૈસાની જરૂરિયાત હોવાથી બાદમાં પાછા આપી દઈશ કહી કટકે-કટકે ત્રણ લાખ લઈ ગયો હતો. એટલું જ નહીં આરોપીએ મહિલાને અત્યારે તમારા દાગીના આપો તેના ઉપર બેંકમાંથી લોન લઈશ બાદમાં હું પૈસા ભરીને દાગીના છોડાવી પાછા આપી દઇશ તેમ કહીં 1.70 લાખ અને 6 લાખની ગોલ્ડ લોન લઈ રૂ.10.70 લાખ લઇ જઈ પરત આપ્યા ન હતા. હાલ તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી ધર્મેશપરી ગોસ્વામી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
શ્રમિક યુવતીએ ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપતા કારખાનેદારે ઝેર પીધું
રાજકોટના વિશ્વનગરમાં રહેતા અને શાપર વેરાવળમાં માં ખોડલ નામનું ડ્રિલનું કારખાનું ધરાવતા કલ્પેશભાઈ જેન્તીભાઈ રૂપારેલીયા (ઉ.વ 32)એ ગઈકાલે કોરાટ ચોક પાસે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. કલ્પેશભાઈને સંતાનમાં એક દીકરો અને પોતે એક ભાઈ એક બહેનમાં નાના હોવાનું જાણવા મળ્યું છે. કલ્પેશભાઈએ હોસ્પિટલમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, તેમના કારખાનામાં છેલ્લા એકાદ મહિનાથી કામ પર આવતી બિહારી યુવતીએ ખોટા ગુનામાં ફીટ કરવાની ધમકી આપતા તેઓ કંટાળી ગયા હતા અને ઝેરી દવા પી લીધી હતી અને તેમજ તેઓ દવા પીધા બાદ શાપર વેરાવળ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં પોલીસે તેમને સારવાર પર ખસેડી અને તેમનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે.