યુવક એક હપ્તો ચૂકી જતાં વ્યાજખોરે ખેતીની જમીન લખી દેવા ધમકી આપી

શહેરમાં વ્યાજખોરોને કાબૂમાં લેવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે. લોકદરબારના તાયફા કરી બે પાંચ ફરિયાદ નોંધી કામગીરી કર્યાની વાહવાહી લૂંટે છે, પરંતુ વ્યાજખોરીમાંથી લોકોને મુક્ત કરાવી શકાયા નથી. વધુ એક યુવક વ્યાજખોરનો ભોગ બન્યો છે.

રામનાથપરામાં રહેતા અને જંક્શનમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતાં નઝીર હાજીભાઇ નોતિયારે (ઉ.વ.34) એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ઘર નજીક પાનની દુકાન ચલાવતાં અને સિંધી કોલોનીમાં રહેતા ભાવેશ ઉર્ફે બોની કિશનચંદ નાજકાણીનું નામ આપ્યું હતું.

નઝીરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં તેને નાણાંની જરૂરિયાત ઊભી થતાં ભાવેશ નાજકાણી પાસેથી રૂ.2.30 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા, જેની સિક્યુરિટી પેટે ભાવેશે કોરો ચેક અને વડાળીમાં આવેલી તેની જમીનના કાગળો લઇ લીધા હતા અને રૂ.100ના સ્ટેમ્પ પેપર પણ લીધા હતા, નઝીર દર મહિને રૂ.11,500 વ્યાજ ચૂકવતો હતો, ચારેક મહિના પહેલા પૈસાની વ્યવસ્થા નહી થતાં તે હપ્તો નહીં ચૂકવી શકતા ભાવેશે નાણાંની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.

વ્યાજખોર ભાવેશ નાજકાણીએ સિક્યુરિટી પેટે રહેલા ચેકમાં રૂ.4.50 લાખની રકમ ભરી તે ચેક બેંકમાં રજૂ કર્યો હતો જે ચેક રિટર્ન થયો હતો અને ભાવેશે જમીનના સાટાખત પોતાના ન કરાવી દેવા દબાણ શરૂ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *