રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. હાલ આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યો શખસ યુવકને મારતો નજરે પડે છે.
CCTVમાં દેખાતા દૃશ્યો મુજબ નિલેશ અને મહેશ જેઠવા બંને અલગ-અલગ બાઈક પર એકસાથે જ આવતા નજરે પડે છે. ત્યારબાદ બંને બાઈકમાંથી એકસાથે ઊતરીને આગળની તરફ આવે છે પણ મહેશ એકાએક પાછો બાઈક પાસે જઈને ઊભો રહી જાય છે તો નિલેશ આગળની તરફ જઈને પાણીના કૂલર પાસે જઈને ગ્લાસમાં પાણી ભરીને પીવે છે. આ સમયે મહેશ હાથમાં પાછળ ચાકૂ લઈને નિલેશ તરફ આગળ આવે છે અને એક બાદ એક ચાકુના ઘા ઝિંકે છે. આ ઘટના દરમિયાન બે-ત્રણ લોકો વચ્ચે પડીને મહેશને સાઈડમાં લઈ જઈને નિલેશને બચાવવાનો પ્રયાસ કરે છે પણ તેમના હાથમાંથી છૂટીને મહેશ પાછો નિલેશને છરીના ઘા ઝિંકે છે. નિલેશનું મોત થયા બાદ પણ મહેશ તેને છરી અને લાતોથી મારતો રહ્યો. આ હત્યા કરીને મહેશ તુરંત જ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો.
ACP બી. જે. ચૌધરીએ જણાવ્યું હતુ કે, શહેરના સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે 43 વર્ષીય નિલેશ ટોકીયાની મહેશ જેઠવા નામના વ્યક્તિએ છરીના 7 ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. નિલેશભાઈ મિસ્ત્રી કામ કરે છે અને તેને સંતાનમાં 2 બાળકો છે. જોકે હાલ હત્યાનું કારણ સામે આવ્યુ નથી.