યુવકને આપઘાતની ફરજ પાડનાર તેની પત્ની અને સાસરિયાં સામે ગુનો નોંધાયો

રૈયા ગામમાં રહેતા યુવકે પોણા મહિના પહેલાં વેજાગામમાં આવેલી પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, યુવક પાસેથી મળેલી સ્યૂસાઇડ નોટ પરથી પોલીસે મૃતકની પત્ની અને તેના પિયરિયાંઓ સામે ગુનો નોંધ્યો હતો.

મહેન્દ્ર રામજીભાઇ મેરિયા (ઉ.વ.38)એ ગત તા.17 સપ્ટેમ્બરના વેજાગામમાં આવેલી વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવ અંગે મૃતક મહેન્દ્રના પિતા રામજીભાઇ મેરિયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે મૃતકની પત્ની દુર્ગા મહેન્દ્ર મેરિયા, મૃતકના સાસુ, સસરા જેઠા ઉર્ફે લાભુ જાદવ, સાળી લતા અને સાઢુ અશ્વિનના નામ આપ્યા હતા. રામજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહેન્દ્રના પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થયા બાદ દુર્ગા સાથે બીજા લગ્ન કર્યા હતા, આઠ મહિના પહેલાં દુર્ગાના ભાઇનું અવસાન થતાં તેના બાળકોની સંભાળ માટે દુર્ગા સાસરિયાંની ઉપરવટ જઇ તેમની સાથે રહેવા પરાપીપળિયા જતી રહી હતી.

મહેન્દ્રએ ઝેરી દવા પીધી ત્યારબાદ તેની પાસેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી જેમાં મહેન્દ્રએ લખ્યું હતું કે, પત્ની, સાસુ, સસરા તેની બહેન અને બનેવીના ટોર્ચરથી કંટાળી આ પગલું ભરું છું, પત્ની જૂઠા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી અને તેણે પોલીસમાં અગાઉ અરજી પણ કરી હતી, પત્ની સહિતના શખ્સોના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હતું, પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *