રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં 40 વર્ષીય વ્હોરા યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી જેમાં મૃતદેહ નજીકથી એક નાની છરી પણ મળી આવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બાબજી એવન્યુના પાંચમા માળેથી લોહીલુહાણ લાશ મળી રાજકોટ શહેરના ભોમેશ્વર શેરી નં.8માં આવેલી બાબજી એવન્યુના પાંચમા માળેથી આજે સવારે એક લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસની સાથે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ પણ દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મૃતકનું નામ અબ્બાસભાઈ યુસુબભાઈ મર્ચન્ટ (ઉ.વ.40) હોવાનું સામે આવ્યું હતું. તેઓ બે ભાઈ એક બહેનમાં મોટા હતાં અને ઢેબર રોડ પર દરજીની દુકાન ચલાવતાં હોવાનું સામે આવ્યું છે. જ્યાંથી લાશ મળી એ જ ફ્લેટમાં ચોથા માળે મૃતક 402 નંબરના ફ્લેટમાં એકલાં રહેતાં હતા. છેલ્લા ત્રણેક દિવસથી તેમનો સંપર્ક ન થતાં તેમના બહેન તપાસ કરવા ઘરે આવ્યાં હતાં તે દરમિયાન બનાવની જાણ થઈ હતી.