યુનિ.માં વહીવટી, ટીચિંગ-નોન ટીચિંગની 190 જગ્યાની મંજૂરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી જુદી જુદી કેડરની ખાલી પડેલી જગ્યા ભરવા માટે આખરે સરકારે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વહીવટીમાં રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સહિત 190 જેટલી જગ્યા ભરવા માટેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા મળી છે. હવે નવી જગ્યા ઉપર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ થકી કાયમી ભરતી કરાશે. રાજ્ય સરકાર દ્વારા ડિસેમ્બર- 2025 સુધીમાં ભરતી કરવા માટેની સૂચના આપેલી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ વહીવટી સ્ટાફની ઘટ છે ત્યારે અગાઉ જે 54 નોન ટીચિંગ સ્ટાફની ભરતી ન થઈ શકી હતી તે જગ્યાઓ પુનઃ જીવિત કરવા માટેની માગણી સરકાર સમક્ષ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે આ 54 જગ્યા પર ભરતી કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત સાતમા પગારપંચમાં જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયા હોય, અવસાન થયું હોય અથવા તો રાજીનામું આપીને ચાલ્યા ગયા હોય તેવી ટીચિંગ અને નોન ટીચિંગની કાયમી જગ્યાઓ ઉપર ભરતી કરાશે.

આ ઉપરાંત અન્ય 27 નવી જગ્યાઓ માટેની મંજૂરી મળી છે. જેમાં 21 જેટલી ટીચિંગ અને 6 જેટલી નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ રીતે કુલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની 190 જેટલી ભરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી જગ્યાઓ સામે ભરતી નહીં થતી હોવાની અગાઉ વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત અને કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *