યુનિ.ના જ પૂર્વ VCના સન્માન માટે હોલ ન અપાતા ચૌહાણ જૂથ નારાજ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ગોવિંદગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણની ટર્મ આગામી તારીખ 01 માર્ચે પૂર્ણ થઇ રહી છે. 03 માર્ચે તેમના સન્માન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓડિટોરિયમની ચૌહાણ જૂથના તેમના મિત્રવર્તુળ દ્વારા સત્તાવાર પત્ર મોકલીને મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ પત્ર મોકલ્યાના 15 દિવસ થઇ જવા છતાં હજુ સુધી ઓડિટોરિયમ માટે મંજૂરી નહીં મળતા ચૌહાણ જૂથમાં નારાજગી જોવા મળી રહી છે. મંજૂરી માટેનો પત્ર હજુ પણ કુલપતિ ચેમ્બરમાં જ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. શા માટે યુનિવર્સિટીના જ પૂર્વ કુલપતિના સન્માન માટે ઓડિટોરિયમની મંજૂરી આપવામાં આવી નથી તેમાં પણ રાજકારણ હોવાની સંભાવના પ્રવર્તી રહી છે.

યુનિવર્સિટીને મંજૂરી માટે મોકલેલા પત્રમાં જણાવાયું છે કે, વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપનાર કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણના અનુભવનું માર્ગદર્શન સૌને મળે અને તેમના સન્માન કાર્યક્રમના આયોજન માટે ડો.પ્રતાપસિંહ ચૌહાણના મિત્રમંડળ દ્વારા તારીખ 03 માર્ચે બપોરે 3 કલાકે આયોજન કરવા માગીએ છીએ. તે માટે આંકડાશાસ્ત્ર ભવન ઓડિટોરિયમ અમોને આપવા માટે જણાવાયું છે.

વધુમાં આ કાર્યક્રમમાં વિવિધ શિક્ષણ, સમાજ, રાજકીય આગેવાનોને આમંત્રણ આપવાનું હોવાથી ત્વરિત મંજૂરી આપવા જણાવ્યું હતું, પરંતુ 25 ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ માટે મંજૂરી આપવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. 26મીએ શિવરાત્રિની જાહેર રજા છે. 27મીએ પણ મંજૂરી મળે તો ઓછા દિવસોમાં કાર્યક્રમની તૈયારી થઇ શકે તેમ ન હોવાથી ચૌહાણ જૂથમાં આ મુદ્દે કચવાટ અને નારાજગી ફેલાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *