યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક થવા માટે આગામી ડિસેમ્બર–2024 માસમાં યોજાનાર ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર (GSET) પરીક્ષા ફરજિયાત કરી છે. અધ્યાપક તરીકે કારકિર્દી ઘડવા માંગતા ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિનામૂલ્યે તાલીમમાં જોડાવા માટે 18 સપ્ટેમ્બરથી તાલીમવર્ગોનું આયોજન કર્યું છે. જેનું રજિસ્ટ્રેશન વિદ્યાર્થીઓ 17મી સુધીમાં કરાવી શકશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુ.જી.સી.ની 12મી યોજનાની માર્ગદર્શિકા મુજબ SC/ST/OBC (નોન-ક્રીમી લેયર) જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે GSET જનરલ પેપર નં.1ના તાલીમ વર્ગની બેચ તા.18 સપ્ટેમ્બરને બુધવારથી સમય સવારે 9થી 11ના સમયમાં શરૂ થશે. GSET કોચિંગ સેન્ટરના વર્ગોમાં જે ઉમેદવારોએ UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષનો અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો જ આ તાલીમવર્ગનો લાભ લઈ શકશે. ઉપરોક્ત તાલીમવર્ગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા આર્ટસ, કોમર્સ વગેરે વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે નેટ/સેટ કોચિંગ સેન્ટર, સી.સી.ડી.સી., ગ્રાઉન્ડ ફ્લોર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા.17 સપ્ટેમ્બરને મંગળવાર સુધીમાં તેમનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ફોર્મ સાથે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો, જીસેટ પરીક્ષાનું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્સ, છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ, જાતિનો દાખલો તથા ક્રીમી લેયર સર્ટિફિકેટ સાથે લાવવાનું રહેશે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.