સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ 29 ભવનમાંથી 11 ભવન એવા છે જેમાં કુલ ઇન્ટેકની 50% સીટો પણ ભરાઈ નથી. આ તમામ 11 ભવનના વડાની ઇન્ચાર્જ કુલપતિએ સોમવારે બેઠક બોલાવી હતી. તાજેતરમાં GCAS પોર્ટલને કારણે યુનિવર્સિટીના ભવનોમાં ઓછા એડમિશન થયા છે, હજુ પણ ઘણી સીટો ખાલી છે. આ સંદર્ભમાં કુલપતિએ પ્રોફેસરોને તાકીદ કરતા કહ્યું હતું કે, કોલેજ સંચાલકો પોતાની કોલેજમાં ખાલી પડેલી સીટો ભરવા માટે જેટલી મહેનત કરે છે તેટલી મહેનત આપણે કરતા નથી. પરંતુ હવે આપણે પણ એવી મહેનત કરવી પડશે જેથી દરેક ભવનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે અને સીટો ખાલી ન રહે. ભવનમાં ખાલી પડેલી સીટો કેવી રીતે ભરી શકાય, શું શું કરી શકાય તે વિચારવા પ્રોફેસરોને તાકીદ કરવામાં આવી છે. યુનિવર્સિટીના 29 ભવનમાં આશરે 1300 જેટલી બેઠકો છે જેમાંથી 950 જેટલી બેઠકો ભરાઈ ગઈ છે, પરંતુ બાયોસાયન્સ, ફાર્મસી, જર્નાલિઝમ, લાઇબ્રેરી સાયન્સ, મનોવિજ્ઞાન, ફિલોસોફી, ઇલેક્ટ્રોનિક્સ સહિત 11 ભવનમાં 50% બેઠક પણ ભરાઈ નથી.
આ ઉપરાંત યુનિવર્સિટીમાં અત્યાર સુધી જે કામગીરી આડેધડ થતી હતી. બિનજરૂરી બાબતો અને વસ્તુઓને મંજૂરી આપવામાં આવતી હતી તે અંગે કુલપતિએ કહ્યું હતું કે, વહીવટી અને શૈક્ષણિક વિભાગો હવેથી જે પણ બાબતો મંજૂરી માટે રજૂ કરે તે ઓબ્જેક્ટિવ હોવી જોઈએ એટલે કે તેની પાછળ કોઈ લોજિક હોવું જોઈએ, તે ઉપયોગી હોવું જોઈએ, વિદ્યાર્થીઓ અને સંસ્થાના હિતમાં હોવું જોઈએ તો જ તેને મંજૂરી આપવામાં આવશે.