સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તમામ લો કોલેજના આચાર્યો અને સંચાલકોને પરિપત્ર કરીને જણાવ્યું છે કે, બીસીઆઈ દ્વારા માન્યતા મળી નથી તેવી કોલેજોએ એલએલબીના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નથી.
યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કાયદા વિદ્યાશાખા હેઠળની તમામ લો કોલેજોના આચાર્યો / સંચાલકોને જણાવવામાં આવે છે કે, જે કોલેજમાં એલ.એલ.બી. અભ્યાસક્રમ ચાલતો હોય તેવી સર્વે કોલેજને વર્ષ 2024-25 માટે BCI દ્વારા માન્યતા મળી નથી તેવી કોલેજે કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નહિ અન્યથા તેની સઘળી જવાબદારી કોલેજની રહેશે. ગુજરાત હાઈકોર્ટમાં LLBની કોલેજમાં એડમિશન મુદ્દે રાજ્યની 6 સરકારી યુનિવર્સિટીની 8 લો કોલેજએ અરજી દાખલ કરી હતી. તેમાં સુનાવણી દરમિયાન BCI માન્યતા પ્રાપ્ત કોલેજ ન હોય તો તેમાં એડમિશન આપી શકાય કે નહીં તે મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જાહેર યુનિવર્સિટીઓ પાસે જવાબ માગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીએ અગાઉ જે કોલેજોને ગેરકાયદે મંજૂરી આપી હતી તેના એલએલએમના છાત્રોની પણ પરીક્ષા નથી લેવાઇ.